Wednesday, August 22, 2007

જીવન

જીવન એટલે સતત શીખવાની વ્યવસ્થા. જેને જોવાનું, શીખવાનું બાકી છે એને જીવનનો આનંદ છે. જગત સતત બદલાય છે. તેથી અંતિમ ક્ષણ સુધી વાસી ન બને તે જીવન.

Wednesday, March 07, 2007

હસતો રહ્યો

જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો
ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો

ઓ મુસીબત ! એટલી ઝિંદાદિલીને દાદ દે;
તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો.

કોઈના ઈકરાર ને ઈન્કાર પર હસતો રહ્યો,
જે મળ્યો આધાર એ આધાર પર હસતો રહ્યો.

કોઈની મહેફિલ મહીં, થોડા ખુશામદખોરમાં,
ના સ્વીકાર્યું સ્થાન ને પગથાર પર હસતો રહ્યો.

ફૂલ આપ્યાં ને મળ્યા પથ્થર કદી તેને ય પણ,
પ્રેમથી પારસ ગણી દાતાર પર હસતો રહ્યો.

જીવતો દાટી કબરમાં એ પછી રડતાં રહ્યાં,
હું કબરમાં પણ કરેલા પ્યાર પર હસતો રહ્યો.

નાવ જે મઝધાર પર છોડી મને ચાલી ગઈ,
એ કિનારે જઈ ડૂબી, હું 'ધાર પર હસતો રહ્યો.

ભોમિયાને પારકો આધાર લેતો જોઈને,
દૂર જઈ એ પાંગળી વણઝાર પર હસતો રહ્યો.